Monday, June 10, 2013

શિશુ માટે સ્વાસ્થ્યપ્રદ ઘરગથ્યુ ઉપચારો



આરોગ્ય વિજ્ઞાન - ડો. મલ્લિકા ઠક્કુર



દહીંસરથી શીતલબહેન વ્યાસનો પત્ર આવ્યો છે. તેઓ લખે છે કે બાળક માટે ગળથૂથીથી ઘરગથ્થુ ઉપચાર કરી રીતે કરી શકાય? એ માટે કઈ ચીજો ઘરમાં રાખવી જરૂરી બને છે? એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય? આ બધું વિગતે જણાવવા વિનંતિ. બાળકનો જન્મ થયાથી એ મોટું થાય ત્યાં સુધી કઈ કાળજી લેવી જરૂરી બને છે!
આપણે જાણીએ છીએ કે માતૃત્વ એ જિંદગીનું સૌથી વધુ મંગળ સ્વરૂપ છે, પણ આવે વખતે સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જોઈએ, કારણ કે તાજું જન્મેલું બાળક તેની આસપાસના પ્રદૂષણ, તેને મળતા ખોરાકથી જરા પણ ટેવાયેલું કે વાકેફ હોતું નથી. માતાનું બગડી ગયેલું ધાવણ પીવાથી, માતાને કૃમિ રોગ કે કબજિયાત હોય ત્યારે, અથવા બાળકને નવડાવતા બેદરકારીથી ગંદું પાણી પીવડાવી દેવાય કે કાનમાં પાણી જતું રહે અથવા કોઈ પણ ગંદકીને કારણે બાળકને રોગ લાગુ પડે છે. વધુ પડતી હવા લાગવાથી કે સાવ ઓરડીમાં પૂરી દેવાથી નાનાં બાળકો રોગિષ્ટ થાય છે.
નાનાં બાળકોેને વારંવાર કબજિયાત થાય અને તેનો ઈલાજ ન કરવાથી તે અતિસાર અને પછી સંગ્રહણી જેવો રોગ ધારણ કરે છે. આજકાલના ફાસ્ટફૂડના જમાનામાં પિત્જા, પાંઉ-ભાજી, વેજિટેબલ ચીઝ, ડબલ ડેકર સેન્ડવિચ એ દરેક સામાન્ય ગૃહિણી માટે સામાન્ય ભોજન થઈ ગયું છે. આ ભારે અને તેવા જ વાયડા પદાર્થોનું માતા સેવન કરે છે ત્યારે બાળકને પેટમાં વાયુ અને સસણીનો દુ:ખાવો થાય છે.બજારમાં મળતી નાનાં બાળકોની દવાઓમાં ઘણી વાર અફીણ નખાતું હોય છે આવા બંધારણથી બાળક શાંતિથી સૂઈ ભલે જાય, પણ પછી તેને કબજિયાતનો હઠીલો રોગ લાગુ પડે છે. આ બાબત અંગે અહીં થોડો પ્રયોગ સૂચવું છું. સાથે બાળકનો જન્મ થયો હોય ત્યારે કઈ વસ્તુ રાખવી તેનો ઉપયોગ કેમ કરવો તે અહીં પ્રસ્તુત છે:
સામાન્ય રીતે બાળકના જન્મ પછી શરૂઆતમાં બાળકને ગળથૂથી આપવાનો રિવાજ છે. આમાં અલગ અલગ ગળથૂથીના પાઠ જોવામાં આવે છે. ઘી અને મધમાં સોનાનો ટુકડો ઘસી તેનો ઘસારો નામનો ચડાવવો. બીજા એક પ્રયોગમાં જૂના ગોળનું પાણી ૧૦ ગ્રામ, સૂવાને વાટી તેને ગાળી લીધા પછીનું પાણી બે ગ્રામ, ગાયનું તાજુ ઘી એક ચમચી વધુ મેળવી ઉકાળવું અને તે જ્યારે અડધું રહે ત્યારે તેને ઠંડું કરવું. આ પ્રવાહી રૂના પુંમડાથી બાળકને થોડી થોડી વારે એક બે ટીપાં ચટાડો. આનાથી શરીરનો મળ નીકળી જાય છે અને માતાને તરત ધાવણ ન આવ્યું હોય તો બે ત્રણ દિવસ બાળક આના ઉપર રહી શકે છે.

બાળકને દવા આપતી વેળા ચોખ્ખાઈ રાખવી એ સાંભળવામાં બહુ નજીવી વાત લાગે, પરંતુ તેમ ન કરવાથી આરોગ્યને બદલે આપણે તે બાળકને રોગનું દાન કરીએ છીએ. પાટલો ગરમ પાણીથી ધોઈને લેવો. ઉકાળીને ઠંડું કરવાનું વાસણ ગરમ પાણીથી ધોઈને લેવું. (કપડાંથી લૂછવું નહીં) આમ દરેકે દરેક વસ્તુમાં પોતાના હાથથી માંડી દવા બનાવવા માટે જે પણ વસ્તુ વપરાતી હોય તે અતિસ્વચ્છ રાખવી બહુ જરૂરી છે.


બાળક માટે ઘરમાં રાખવાની દવાઓમાં વાવડિંગ, સૂવા, અજમો, બીલાં, હરડે, કરિયાતું વગેરેનો સમાવેશ થાય છે.
વાવડિંગ સામાન્ય રીતે નાનાં બાળકોને કેમ કરતાં કરમિયા થયા છે એ અજાયબીની વસ્તુ છે. કૃમિનો નાશ કરવા અથવા ન થાય તે માટે પાણીમાં વાવડિંગ નાખી તેને ઉકાળવું અથવા વાવડિંગનો કાઢો કરવો અને ત્રણથી ચાર ટીપાં પીવડાવવાથી બાળકને આરામ થાય છે.

બીજી દવામાં સૂવા પણ એટલી જ ઉપયોગી છે. ઘણી વખત બાળક કારણ વગર રડતું હોય છે. ત્યારે તેના હાથ વારંવાર પેટ તરફ થતા હોય તો તેને પેટનો દુ:ખાવો થાય છે એ સમજી
 સૂવાનું પાણી તરત જ ચાર-પાંચ ટીપાં પીવડાવી દેવું. સાથે સાથે કબજિયાત હોય તો એરંડિયાનું પણ એકાદ ટીપું ઉમેરવું. ઘરમાં ૧૦ ગ્રામ સૂવા ૧૦૦ ગ્રામ પાણીમાં ગાળી ઉકાળી પા ભાગનું રહે ત્યારે ઠંડું કરી બાટલીમાં ભરવું આ પાણી બેથી ત્રણ દિવસ તાજું રહે છે.

સૂવાની જેમ અજમો પણ એટલો જ અક્સીર છે. વાયુને કારણે થતા કોલેરા જેવા ઝાડામાં અજમાનું પાણી અથવા અજમાની ભૂકી સૂક્ષ્મ પ્રમાણમાં
 આપવાથી રાહત થાય છે. આ ઉપરાંત બીલાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જૂનો મરડો અથવા જૂના ઝાડામાં બાળકને બીલાંનો ફળનો ગર ધાવણમાં ભેળવી આપવાથી આરામ થાય છે.

અન્ય ચીજો ઉપરાંત હરડે પણ સારી અસર કરે છે. પંચરેખા હરડેનો ઘસારો પણ બાળકને આપવાથી બાળકને પેટ ઘટ થાય છે. અને આંતરડા સારા રહેવાથી પાંચન સ્વસ્થ રહે છે. બાળકનો વિકાસ સારો થાય છે. વજ પણ બાળકોને એટલી જ ઉપયોગી છે. બાળકને ખાંસી,
 શરદીમાં દૂધિયો વજ આપવાથી આરામ લાગે છે.

બાળકને આરંભથી જ કરિયાતું પાવું જોઈએ. જેમાં કડવો લીમડો, અરડુ, વાળો અને પિત્ત પાપડો લઈ તેેનો કાઢો બનાવી સૂક્ષ્મ માત્રામાં બાળકને આપવાથી તાવ, શ્ર્વાસ, ખાંસી અને ઊલટીમાં આરામ રહે છે. આવાં અનેક પ્રયોગો આપણી પાસે છે, પરંતુ તેનો ઉપયોગ ભુલાતો જાય છે. એમાં આપણો જ વાંક છે.

No comments:

Post a Comment