Thursday, January 30, 2014

લાંબુ જીવન જીવવાનો ટેસ્ટી શોર્ટકટ છે નિયમિત બદામનું સેવન

લાંબુ જીવન જીવવાનો ટેસ્ટી શોર્ટકટ છે નિયમિત બદામનું સેવન
સંશોધનોની દુનિયામાં રોજ કંઈ ને કંઈ નવું સામે આવતું રહે છે. ઇંગ્લેન્ડના એક મેડિસિન જર્નલમાં એવું પ્રકાશિત થયું હતું કે બદામ ખાવાથી ઉંમર વધે છે સાથે એમ પણ લખવામાં આવ્યું હતું કે બદામ ચાવી ચાવીને ખાવામાં આવે તો એનો ફાયદો વધારે મળે છે. આ મામલે હજી આગળ સંશોધન ચાલી રહ્યું છે. બદામ ખાવાથી આયખું વધે છે એ તારણ સુધી પહોંચતાં પણ ખાસ્સાં વર્ષ લાગ્યાં હતાં. 
અમેરિકાની એક ટીમે એક લાખ વીસ હજાર લોકોનું વીસ વર્ષ સુધી અવલોકન કર્યા પછી તેઓ એ તારણ પર પહોંચ્યા હતા કે બદામ અને આયુષ્ય વચ્ચે સંબંધ છે. તેમના અભ્યાસ અનુસાર રોજ એક મુઠ્ઠી બદામ ખાનારાઓના મૃત્યુદરમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો.

સંશોધનકર્તાઓ પૈકીના ડોક્ટર ચાર્લ્સે કહ્યું હતું કે, "બદામ ખાવાથી હાર્ટ એટેકને લીધે થતાં મૃત્યુમાં ૨૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બદામનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે."

જીમમાં રૂપિયો ખર્ચ્યા વગર ઉતારો વજન

શિયાળામાં વજન ઘટાડવા માટે ઉત્તમ સમય છે. એક્સરસાઈઝ દ્વારા કે પછી ડાયેટિંગ દ્વારા તમે વજન ઉતારી શકો છો. ફિટનેસમાં માનનારાની સૌથી મોટી સમસ્યા છે વજન પર નિયંત્રણ રાખવા માટે ફિટનેસ પ્રત્યે ક્રેઝી લોકો તેમનાથી બનતા બધા જ જતન કરી લે છે. તો તે સાથે એવા પણ ઘણાં લોકો છે જે ફિટ તો રહેવા માંગે છે 
પણ તે માટે વર્કઆઉટ કરવામાં કંટાળતા હોય છે. તો તેમના માટે એક રિસર્ચ ઘણી કારગાર સાબિત થઈ શકે છે.

3 મહિનામાં ઉતરશે 5 ટકા વજન

આ રિસર્ચ પ્રમાણે, વજન ઘટાડવા કે તેને વધતુ અટકાવવા કેલરી ઓછી કરવા કરતાં સાદુ પાણી પીવાની ટેવ વધારી દે તો 3 મહિનાની અંદર તેઓ બે કિલો જેટલું વજન ઘટાડી શકે છે. અહીં તેમણે ફક્ત પીવામાં પાણીનું પ્રમાણ વધારવાનું છે બસ આટલું કરવાનું છે.

રિસર્ચમાં શામેલ 500 લોકોને બે ભાગમાં વહેચી દેવામાં આવ્યાં હતાં. એક વર્ગ ડાયેટ કોક અને સોડા પીતું હતું જ્યારે બીજા વર્ગના લોકોને ફક્ત સાદુ પાણી પીવા આપવામાં આવતું હતું. છ મહિના બાદ પરિણામોની તપાસ કરવામાં આવી જેમાં ફક્ત પાણી પીનારા ગ્રુપના વજનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

રિસર્ચ પ્રમાણે પાણીથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય રહે છે અને શરીરના હાઈડ્રેટ રહેવાથી વજન ઘટાડવામાં પણ સરળતા રહે છે. જો આપ પણ વજન ઘટાડવા માંગો છો તો રૂટિનમાં પાણીનું ઈનટેક વધારી દો ફાયદો જરૂર દેખાશે.પાણીનું વધુ પ્રમાણ ન ફક્ત વજન ઘટાડશે પણ આપને ગ્લોઈંગ સ્કિન પણ આપશે.

Monday, January 6, 2014

હાર્ટએટેક અને પાણી



દેશી તેલીબિયાંનાં તેલ આરોગ્ય માટે શ્રેષ્ઠ



સ્પોટ લાઈટ - સંજય વોરા
પામ ઓઇલ, સૂર્યમુખીનું તેલ અને કપાસિયાનું તેલ બેડ કોલેસ્ટરોલ વધારીને આરોગ્યને હાનિ પહોંચાડે છે
 
ભારત દેશ ભૌગોલિક દૃષ્ટિએ વિશાળ છે અને તેની ખાણીપીણીની રીતભાતો પ્રાંતે પ્રાંતે બદલાય છે. આહારવિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત એ છે કે જે પ્રદેશમાં જે અનાજ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળો અને મરીમસાલા પેદા થતાં હોય તેનો જ આહાર કરવો. આ સિદ્ધાંત મુજબ આપણે ત્યાં દક્ષિણ અને પૂર્વ ભારતના અધિકાંશ લોકો આહારમાં ચોખાનો વધુ ઉપયોગ કરતા હતા. તેવી જ રીતે ગુજરાતની પ્રજા જુવાર, બાજરો અને મકાઇ ખાતી હતી તો પંજાબના લોકો આહારમાં ઘઉંનો વધુ ઉપયોગ કરતા હતા. જે પ્રદેશમાં જે તેલીબિયાં પાકે તેના તેલનો જ રસોઇમાં વધુ ઉપયોગ કરવાથી લોકોનું આરોગ્ય સચવાઇ રહેતું હતું. દક્ષિણ ભારતની પ્રજા રસોઇમાં કોપરેલ તેલનો વપરાશ કરતી હતી તો ઉત્તરની પ્રજા રાયડાના તેલનો અને ગુજરાતની પ્રજા તલના તેલનો વધુ ઉપયોગ કરતી હતી. મગફળી પણ ભારતીય પાક નથી. ભારત માટે તો મગફળીનું તેલ પણ વિદેશી છે. તે ઉપરાંત આજે જે વિદેશી તેલોની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે, તેઓ હકીકતમાં આપણા આરોગ્યને ગંભીર નુકસાન કરનારાં છે, એમ આહારશાસ્ત્રીઓ કહે છે. તેમના મતે આપણે સાજાનરવા રહેવું હોય તો દેશી ખાદ્ય તેલો જ વાપરવાં જોઈએ.
ભારતમાં ખાદ્ય તેલના ઉદ્યોગે ભારે કાઠું કાઢ્યું છે. અગાઉ જ્યારે ઓઇલ મિલો નહોતી ત્યારે ગામનો ઘાંચી જ ખાદ્ય તેલની જરૂરિયાત પૂરી પાડતો, જેને તેલીબિયાં પણ તેના ગ્રાહકો જ આપતા. ઘાંચીનું કામ તો આ તેલીબિયાંમાંથી તેલ પીલવાનું જ રહેતું હતું. આ સ્થાનિક ઉત્પાદનને કારણે તેલીબિયાં પણ સ્થાનિક જ રહેતાં અને લોકોનું આરોગ્ય બરાબર સચવાઈ રહેતું. આજે ઓઇલ મિલોને કારણે ખાદ્ય તેલના ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું છે અને લોકો પરપ્રાંતમાં અને પરદેશમાં પેદા થતું ખાદ્ય તેલ પણ ખાવા લાગ્યા છે. તેમાં પણ વનસ્પતિ તેલોના ઉત્પાદકોે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે એવો પ્રચાર કરે છે કે વનસ્પતિ તેલોમાં ઓછું કોલેસ્ટરોલ હોય છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે, પરંતુ હવે વિજ્ઞાનીઓ એ બાબતમાં લગભગ સર્વાનુમત ધરાવતા થયા છે કે આ દાવાઓ અત્યંત ગેરમાર્ગે દોરનારા હતા. તેઓ કહે છે કે આહારમાં માત્ર આરોગ્યપ્રદ ખાદ્ય તેલો જ વાપરવાં જોઇએ અને દેશી તેલો સૌથી વધુ આરોગ્યપ્રદ હોય છે.
વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો કોઇ પણ ખાદ્ય તેલ ત્રણ પ્રકારનાં ફેટી એસિડ્સનાં બનેલાં હોય છે. એક, સેચ્યુરેટેડ (સંતૃપ્ત) ફેટી એસિડ્સ; બે, મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને ત્રણ, પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. કેટલાંક તેલોમાં પામિટિક એસિડ નામનો પદાર્થ હોય છે, જેનાથી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન્સ (એલડીએલ)નું પ્રમાણ વધે છે. આ એલડીએલ ખરાબ કોલેસ્ટરોલ ગણાય છે, જ્યારે ઓમેગા-૩ અને ઓમેગા-૬ નામનાં ફેટી એસિડ્સ શરીરની રોગપ્રતિકારકશક્તિ વધારે છે અને તેઓ હૃદય માટે ખૂબ લાભકારક હોય છે. વિજ્ઞાનીઓ આ પ્રકારનાં ફેટી એસિડ્સને ગુડ કોલેસ્ટરોલ તરીકે ઓળખે છે. ભારતમાં પરંપરાગત રીતે વપરાતા તલ, રાયડા અને કોપરાના તેલમાં આ ગુડ કોલેસ્ટરોલ મોટા પ્રમાણમાં હોય છે. આયાત કરવામાં આવેલા પામ ઓઇલમાં એલડીએલ તરીકે ઓળખાતું બેડ કોલેસ્ટરોલ મોટા પ્રમાણમાં હોય છે.
૧૯૮૦ના દાયકામાં આપણા દેશમાં એવો પ્રચાર થવા લાગ્યો કે જે તેલોમાં સંતૃપ્ત ફેટી એસિડ્સ વધુ પ્રમાણમાં હોય છે, તે હૃદય માટે જોખમી હોય છે, કારણ કે તેમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે. આવાં ખાદ્ય તેલોમાં તલ, રાયડો, કોપરું વગેરેનાં તેલોનો સમાવેશ થતો હતો. તે સમયગાળામાં સંતૃપ્ત ફેટી એસિડ્સનું ઓછું પ્રમાણ ધરાવતા સૂર્યમુખી તેલ, સોયાબીન તેલ વગેરેનો પ્રચાર વધવા લાગ્યો. કોપરેલમાં સંતૃપ્ત ફેટી એસિડ્સના ૯૨ ટકા પ્રમાણ સામે સૂર્યમુખીના તેલમાં તેનું પ્રમાણ ૧૧ ટકા અને સોયાબીનના તેલમાં ૧૫ ટકા જેટલું ઓછું હતું. આ વિદેશી તેલોથી હૃદયરોગનો ખતરો ટળે છે, એવા પ્રચારને કારણે તેમના વપરાશમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને પરંપરાગત ખાદ્ય તેલોના વપરાશને જબરદસ્ત ફટકો પડ્યો. સૂર્યમુખી અને સોયાબીનનાં તેલોમાં સંતૃપ્ત ફેટી એસિડ્સ ભલે ઓછાં હોય, પણ તેમાં અસંતૃપ્ત ફેટી એસિડ્સ વધુ પ્રમાણમાં હતાં, એ હકીકતની કોઈએ નોંધ ન લીધી. સૂર્યમુખીના તેલમાં પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સનું પ્રમાણ ૬૯ ટકા જેટલું અને સોયાબીનના તેલમાં તે પ્રમાણ ૬૧ ટકા જેટલું હતું. અમેરિકન જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે સોયાબીન અને સૂર્યમુખીના તેલના વપરાશથી શરીર માટે ફાયદાકારક હાઇ ડેન્સિટી લાઇપોપ્રોટીન (એચડીએલ)ના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ તેલોમાં જે પોલિઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે તે ખૂબ જ સક્રિય હોવાથી શરીરનાં અંગોમાં ચરબીના સ્વરૂપમાં જમા થાય છે અને બ્લડપ્રેશર તેમ જ હૃદયરોગને ઉત્તેજન આપે છે. આ સંશોધન બહાર પડ્યું ત્યાં સુધી ભારત જેવા દેશોમાં કરોડો લોકો સૂર્યમુખીના તેલના રવાડે ચડી ગયા હતા અને તેને હૃદય માટે લાભકારક માનવા લાગ્યા હતા. આજે પણ સૂર્યમુખીના તેલના ઉત્પાદકો તેનો પ્રચાર હૃદય માટે ઉપયોગી ખાદ્ય તેલ તરીકે જ કરે છે અને તે વાત સાચી માનીને લોકો પોતાના હૃદયને ગંભીર નુકસાન પહોંચાડે છે.
અસંતૃપ્ત ફેટી એસિડયુક્ત તેલો સસ્તામાં મળતાં હોવાથી વેફર, ચિપ્સ, તૈયાર ફરસાણ વગેરેનું ઉત્પાદન કરતા ઉદ્યોગો ખાદ્ય પદાર્થોમાં તેનો વ્યાપક ઉપયોગ કરતા થયા છે. બજારમાં મળતી મોટા ભાગની તળેલી ચીજવસ્તુઓમાં આ પ્રકારનાં ખાદ્ય તેલોનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ પ્રોસેસ્ડ ફૂડના ઉદ્યોગમાં તો આ પ્રકારનાં સસ્તાં આયાતી તેલો જ વધુ પ્રમાણમાં વપરાય છે. જોકે આ તેલો પ્રોસેસ્ડ ફૂડની બનાવટમાં ટેક્નિકલ રીતે અગવડયુક્ત હોવાથી તેને હાઇડ્રોજનેટેડ બનાવવામાં આવે છે. આમ કરવાથી તેમાં ટ્રાન્સ-ફેટી એસિડ્સ પેદા થાય છે, જે માનવ આરોગ્ય માટે અતિશય હાનિકારક છે. હાઇડ્રોજનેટેડ વનસ્પતિ તેલોને આપણે વેજિટેબલ ‘ઘી’ તરીકે પણ ઓળખીએ છીએ. તેમાં રહેલાં ટ્રાન્સ-ફેટી એસિડ્સ આપણા શરીરની રોગપ્રતિકારકશક્તિનો નાશ કરે છે. આ પદાર્થ આપણા શરીરમાં લો ડેન્સિટી લાઇપોપ્રોટીન (એલડીએલ)ના પ્રમાણમાં પણ વધારો કરે છે, જે આરોગ્ય માટે હાનિકારક છે.
તેલીબિયાંમાંથી કઇ રીતે તેલ કાઢવામાં આવે છે, તેના ઉપર પણ તેલની ગુણવત્તા અવલંબિત હોય છે. ઓઇલ મિલોમાં તેલ કાઢવા માટે હેક્સેન જેવાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ સસ્તી છે, તેનાથી તેલનું ઉત્પાદન વધે છે, તેલ વધુ દિવસો સુધી બગડતું નથી અને તેમાંથી બધા રંગ અને સ્વાદ પણ દૂર થઇ જાય છે. પરંતુ તેલમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થો દૂર કરવા માટે તેલને ઉકાળવામાં આવે છે, જે પ્રક્રિયામાં તેની અંદર રહેલા પૌષ્ટિક પદાર્થોનો પણ નાશ થઇ જાય છે. તેથી વિરુદ્ધ બળદઘાણી વડે જે તેલ પ્રાપ્ત કરવામાં આવ્યું હોય તેમાં અસલ સ્વાદ, સોડમ, રંગ અને પૌષ્ટિક પદાર્થો જળવાઇ રહે છે. આ કારણે જ આજે કેટલાક શ્રીમંતો ઊંચી કિંમત ચૂકવીને પણ બળદઘાણીનું તેલ ખરીદતા જોવા મળે છે.
એક બાજુ વિજ્ઞાનીઓ બિનપરંપરાગત ખાદ્ય તેલોના ગેરફાયદાઓ વિશે સંશોધન કરી રહ્યા છે તો બીજી તરફ આવાં તેલોના ઉત્પાદકોના ગેરમાર્ગે દોરનારા પ્રચારને કારણે આપણા દેશમાં વિદેશી સસ્તાં ખાદ્ય તેલોનું વેચાણ સતત વધી રહ્યું છે. ઈ. સ. ૧૯૭૫ની સાલ સુધી આપણા દેશના ખાદ્ય તેલના કુલ વપરાશમાં પામ ઓઇલ, સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલનો ફાળો માત્ર ૪ ટકા જેટલો જ હતો; આજે આ પ્રમાણ વધીને ૬૦ ટકા ઉપર પહોંચી ગયું છે. ઈ. સ. ૧૯૮૮ અને ૧૯૯૪ વચ્ચે આપણા દેશમાં ત્રણ લાખ ટન પામ ઓઇલ અને સોયાબીન તેલની આયાત કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૯૮ અને ૨૦૦૨ વચ્ચે કુલ બાવન લાખ ટન સોયાબીન અને પામ તેલની આયાત કરવામાં આવી હતી. આજે આપણા દેશમાં ખાદ્ય તેલોનો જે કુલ વપરાશ થાય છે, તેમાં પામ ઓઇલનો ફાળો ૩૮ ટકા અને સોયાબીનના તેલનો ફાળો ૨૧ ટકા જેટલો છે. ભારતના લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે, તેમાં બહુ મોટો ફાળો આ વિદેશી હાનિકારક તેલોનો હોવાનું જણાઇ રહ્યું છે. તેમ છતાં આજે પણ કેટલાક અજ્ઞાની ડોક્ટરો પોતાના દર્દીઓને હૃદયરોગથી બચવા માટે સૂર્યમુખીનું તેલ વાપરવાની સલાહ કેમ આપતા હશે?
આ બાજુ વૈજ્ઞાનિક સંશોધનો સ્પષ્ટ સૂચવે છે કે ભારતનાં પરંપરાગત ખાદ્ય તેલો આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે. ઈ. સ. ૧૯૯૫માં કેરળ યુનિવર્સિટીમાં કરવામાં આવેલું સંશોધન એમ કહે છે કે કોપરેલનો ઉપયોગ કરવાથી લોહીમાં હાઇ ડેન્સિટી લાઇપોપ્રોટીન (એચડીએલ)નું પ્રમાણ વધે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. રાયડાના તેલમાં ઓમેગા-૩ નામનો જે પદાર્થ હોય છે તે અમુક પ્રકારના હૃદયરોગમાં ખૂબ જ લાભકારક છે, તેમ અમેરિકામાં અને ભારતમાં થયેલું સંશોધન કહે છે. આ સંશોધન મુજબ રાયડાના તેલમાં ઓમેગા-૩નું પ્રમાણ ૧૨ ટકા જેટલું હોય છે. તેની સરખામણીએ સૂર્યમુખીના તેલમાં ઓમેગા-૩નું પ્રમાણ માત્ર ૦.૫ ટકા જેટલું જ હોય છે. આ સંશોધનનો હેવાલ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રગટ થયો હતો. તેને કારણે સૂર્યમુખીનું તેલ આરોગ્ય માટે લાભકારક છે, તેવા દાવાઓ પોકળ સાબિત થઇ જાય છે. આપણે જો આપણું આરોગ્ય ટકાવી રાખવું હશે તો પરંપરાગત ખાદ્ય તેલોના વપરાશ તરફ પાછું વળવું પડશે.

ગાયનું ઘી અને અડદના ઔષધિય ફાયદા

ગાયનું ઘી અને અડદના ઔષધિય ફાયદા
ગાયનું ઘી અને અડદના ઔષધિય ફાયદા
Kanti Bhatt
આખું વર્ષ નિરોગી રહેવા માટે શિયાળામાં ભરપૂર વસાણાં ખાવાં જોઈએ
અમારા મહુવામાં નૂરઅલી નામનો મુસ્લિમ ગળ્યા બરફના ગોળાની લારી લઈ નીકળતો અને બોલતો ''ઉનાળે હેમાળો’’ અને શિયાળામાં એ જ નૂરઅલી ''શિયાળે ગરમાટો’’ની બૂમ પાડીને અડદિયા લાડુની 'સસ્તી આવૃત્તિ’ વેચતો. આજે બીજાં શહેરોની જેમ મુંબઈમાં પણ કડક શિયાળો આવ્યો છે. ત્યારે અડદિયા લાડુ, કોપરાપાક અને ઘરે સગવડ હોય તો ગરમ ગરમ રોટલામા થીણું-થીણું ઘી અને ગોળ ખાવાની મોસમ આવી છે.
પણ ગાયનું દૂધ ખાય તો ગાયનું ઘી જ ખાવું. ગાંધીજીએ સ્થાપેલા ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમની ગૌશાળાનું ચોખ્ખું ઘી મને ૪પ વર્ષ પહેલાં ખાવા મળતું અને ત્યાનાં ડો. અગમ પ્રસાદે તો પ્રયોગ કરીને કન્જકટીવાઈટીસ નામના આંખના રોગમાં ગાયનું ઘી આંજીને ફટાફટ આંખનાં દર્દીને સારા કરેલા.મારા પિતા શરીરની ખોટી ગરમી દૂર કરવા તેમ જ આંતરડા તંદુરસ્ત રાખવા ગાયના દૂધમાં ગાયનું ઘી નાંખીને અગર તો ચામાં ગાયનું ઘી નાંખીને પીતા. કોઈને સાપ કે વીંછી કરડે ત્યારે ગાયનું ઘી ચટાડવામાં આવતું. મગજની શક્તિ વધારવા રાત્રે પગને તળિયે ગાયનું ઘી ઘસાતું. માત્ર લિવર અને હૃદયરોગવાળાએ ગાયનું કે ભેંસનું ઘી ખાવું ન જોઈએ.
મહીસુર ખાતેની ઈન્ડો અમેરિકન હોસ્પિટલના ડો. અમ્માને ગાયના ઘીની એક સરસ ઉપયોગિતા કહેલી. બાળક બહુ રડતું હોય તો ગરમ ગાયના દૂધમાં થોડું ગાયનું ઘી પીવરાવવાથી રડતું અટકી જાય છે ઘણાં બાળકો માતાને ધાવતા ન હોય તેને પણ ગાયનું ઘી દૂધમાં ચટાડવાથી ધાવતું થાય છે. યાદ રહે કે ઘી ગાયનું કે ભેંસનું તેમાં તળેલી કોઈ ચીજ ખાવી નહીં. હું રાજકોટ ગયો તો ત્યાં કમ્પ્યૂટરની મગજમારી કરતાં મારા યજમાન પટેલ સવારે થીણું ઘી જ ખાતા અને તે પણ ગીરની ગાયનું હવે બાકી રહે છે આ શિયાળાની મોસમમાં અડદિયા લાડુની વાત. ખ્યાલ રાખજો કે અડદિયા લાડુમાં ગાયનું ઘી જ વપરાય. ગાયોના દૂધમાંથી જે ઘી બને છે તે હૃદયરોગી પણ ખાઈ શકે છે.
ઊલટાનું કોલેસ્ટરોલ ઘટે છે સૌરાષ્ટ્રમાં મહુવામાં અમારા ફૈબાના ઘરે રહી ભણતો ત્યારે અમને ગાયના ઘીમાં બનાવેલા અડદિયા-લાડુ શિયાળે ખાવા મળતા. તે જમાનામાં ઘી ચોપડયા વગરનો રોટલો ખવાતો નહીં. તે વાંઝિયો રોટલો ગણાતો. લંડનનું ઈકોનોમિસ્ટ લખે છે કે અમેરિકામાં ૨૦૦૬માં આ વેજિટેબલની ચીજો ખાઈને પ૦૦૦૦ લોકો અકાળે મરેલા. હવે ભારતમાં તેલનું તલ ચોપડીને રોટલી ખાવી, પણ વેજિટેબલ તો નહીં જ નહીં. અમારા સૌરાષ્ટ્રના ખેડૂતો એટલા સમૃદ્ધ હતા કે વાવણીમાં બળદને બમણું જોરથી કામ કરવું પડે એટલે બળદને ગાયનું ઘી પાતા.હવે અડદિયા અને અડદ કે અડદની દાળ જે સૌરાષ્ટ્રનો સ્ટેપલ ફૂડ હતો તેની વાત કરીએ. બીચારી ગરીબ અંગ્રેજી ભાષામાં અડદ માટે સ્વતંત્ર શબ્દ જ નથી એટલે અડદને બ્લેકગ્રામ કહે છે. અડદમાં કેલ્શિયમ અને ફોરફરસના ઉત્તમ તત્ત્વો છે, તેનો લાભ આજે લેતા નથી. અડદની દાળ ખાતા નથી.
અડદના પાપડનો લાભ લેવો હોય તો કૃપા કરી પાપડને તળશો નહીં. અમે તો નાના હતા ત્યારે અડદના પાપડ વણાતા હોય ત્યારે તેનાં લુવા લુખ્ખા ખાતા આજે આપણા કરતાં પાકિસ્તાનમાં અડદની દાળ કે તેની વાનગીઓ વધુ ખવાય છે. આંધ્રપ્રદેશમાં ડાંગરના પાક પછી બીજે નંબરે અડદનો પાક લેવાય છે. શ્રેષ્ઠ અડદની વાનગી અગર ઈડલી-ઢોંસા ખાવા હોય તો આંધ્રના ગતુર જિલ્લામાં જવું. પંજાબી ભાઈઓ પણ અડદની દાળને માનવતું નામ આપીને 'દાલ-મખની’ કહે છે. જૂના જમાનામાં બિલ્ડિંગના ચણતરને મજબૂત બનાવવા સિમેન્ટ -ચૂનામાં અડદનો આટો ભેળવાતો વિયેતનામનાં લોકો ડાહ્યા છે કે તે અડદની કેટલીય વાનગી ખાય છે. ફરી લખું છું કે તમારા પુત્ર-પુત્રી અને ખાસ કરીને દીકરીઓ અડદની વાનગી ગાયના ઘીમાં ખવરાવો તેના વાળ લાંબા અને કાળા થશે.
મુંબઈના આયુર્વેદના વૈદ્ય પંકજના પિતા ખીમજીભાઈ નરમ અને ભાવનગરના વૈદ્યનાં પિતા અડદની દાળ દર સપ્તાહે એકવાર ખાવાનું કહેતા. ભગવદગોમંડળ અને ભાવનગરના વૈદ્ય કહે છે અડદની વાનગી બળ આપનાર છે અને માંસ (મસલ્સ) વધારનાર છે. માતાનું ધાવણ વધારે છે. અમેરિકાના જૂના સંસ્કારવાળા ડોક્ટરો કહે છે કે ડિસે. જાન્યુ.માં શિયાળો સખત બને છે. ત્યારે માણસ લેથાર્જીક બને છે. સુસ્ત બને છે તેણે અડદની વાનગી ખાવી જોઈએ. ડો. પંકજે નવી વાત કહી જે જૂની છે કે, અડદ અદ્ભુત ''રસાયણ’’ છે, વાજીકરણ છે અને આયુષ્ય વધારનાર છે. પણ તમે પૂછશો કે આ ''રસાયણ એટલે શું? રસાયણ એ એવું ઔષધ કે ખાદ્યચીજ છે જે ઘડપણ દૂર કરનાર અને જુવાની આપનાર છે. ભાવનગરના વૈદ્ય કહે છે કે માંસમાં જેટલા પોષક, બળદાયક અને માંસ વધારનારા તત્ત્વો તે તમામ અડદમાં છે. બજારમાં તૈયાર મળતો અડદિયો ખાવા કરતાં ઘરે બનાવીને ખાવો. ધોળાના એક વૈદ્ય શોખ ખાતર અડદિયો બનાવીને મિત્રોને ખવરાવે છે.