Monday, June 10, 2013

ફિટનેસ - મુકુંદ મહેતા .....બ્લડપ્રેશર

૨૫ વર્ષ પછી પણ તમે કોઈ પણ જાતની કસરત ના કરી હોય કે કોઈ શ્રમ ના લીધો હોય તો સ્વાભાવિક રીતે તમારા હૃદયને લોહી પહોંચાડનારી નળીઓમાં પણ કોલેસ્ટ્રોલના કલોટ થવાનું શરૃ થઈ ગયું હોય. હૃદય મગજને લોહી પહોંચાડવા પ્રયત્ન કરે ત્યારે કલોટને કારણે હૃદય સિવાયની નળીઓમાંથી પણ લોહી પહોંચાડવા હૃદયને જોર કરી લોહી પહોંચાડવું પડે. નળીઓની દિવાલ પર જોર આવે તેને લોહીનું દબાણ કહેવાય. ધબકારા વખતનું દબાણ એટલે સીસ્ટોલીક બી.પી. અને હૃદય એક સેકન્ડ માટે આરામ લે તે વખતનું દબાણ તે 'ડાયાસ્ટોલીક' બી.પી. કહેવાય.

 સામાન્ય ભાષામાં 'સીસ્ટોલીક' ઉપરનું, ડાયાસ્ટ્રોલીક નીચેનું કહેવાય.

નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ

ઉપરનું બ્લડ પ્રેશર (સીસ્ટોલીક) ૧૨૦
અને નીચેનું (ડાયાસ્ટોલીક) ૮૦ હોવું જોઈએ.


ટેન્શન વગર બ્લડપ્રેશર વધારે ક્યારે હોય

૧. વજન (બી.એમ.આઈ) (કિલોમાં વજન ભાગ્યા ઉંચાઈ મીટરમાં હોય તેનો સ્કવેર) ઃ તમારો બી.એમ.આઈ. ૨૫થી વધારે હોય, તમારી કમરનો ઘેરાવો સ્ત્રીઓમાં ૩૮''થી વધારે પુરૃષોમાં ૪૦''થી વધારે અને હોય અને વેસ્ટ હીપરેશીઓ (સ્ત્રીઓમાં ૦.૮થી અને પુરૃષોમાં ૧.૦થી) વધારે હોય તો તમારૃં બી.પી. વધારે હોય એમાં નવાઈ ના લાગવી જોઈએ.

૨. સિગરેટ, તમાકુનું કે દારૃનું વ્યસન ઃ તમાકુ અને દારૃની ટેવને કારણે લોહીની નળીઓ થોડી સખ્ત થાય, હૃદયને ઓક્સીજન ઓછો મળે, લોહીની કલોટ (ગઠ્ઠા) થવાની શક્યતા વધે, હૃદયના ધબકારા વધે- આને લીધે બી.પી. વધે.

૩. કસરતનો અભાવ ઃ કસરત કરનારા (નિયમિત)ના હૃદયને શરીરના બધા જ સ્નાયુ અને સાંધાને લોહી પહોંચાડવા વધારે ધબકવું પડે એટલે સમય જતાં તમારા હૃદયના સ્નાયુ એટલા મજબુત થાય કે ઓછી મહેનતે વધારે લોહી બધે પહોંચાડી શકે (બેટર એફિશ્યન્સી એટ લેસર એફર્ટ)

૪. ચરબીવાળો ખોરાક અને વધારે મીઠું ખાનારાને બી.પી. વધારે હોય ઃ તમારા શરીરમાં એક દિવસમાં તેલ-ઓગાળેલુ માખણ કે ઘીનું પ્રમાણ ફક્ત ચાર કે પાંચ ચમચી (૪૦થી ૫૦ ગ્રામ) અને મીઠાનું (સોડીઅમ ક્લોરાઈડ)નું પ્રમાણ પા ચમચી (૧.૨૫ ગ્રામ) કે વધારેમાં વધારે અર્ધી ચમચી (૨.૫ ગ્રામ) લેવું જોઈએ. એકલું સોડીઅમ ૧.૫ ગ્રામથી વધારે હોવું જોઈએ નહીં. એક ગ્રામ મીઠા (સોડીઅમ ક્લોરાઈડ)માં સોડીઅમનું પ્રમાણ આશરે ૪૦૦ મી.ગ્રામ અને કલોરાઈડનું પ્રમાણ આશરે ૬૦૦ મી.ગ્રામ હોય. સામાન્ય રીતે રોજના વપરાશમાં લેવાતા મીઠા (સોડીઅમ કલોરાઈડ)માં ૯૯ ટકા સોડીઅમ કલોરાઈડ હોય છે. ચરબીવાળો ખોરાક આગળ જણાવેલ પ્રમાણથી વધારે અને મીઠું વધારે લેવાય તો આર્ટરીમાં ક્લોટ (ચરબી) અને આર્ટરીની દિવાલ જાડી (સખત) થાય.

૫. ગર્ભવતી સ્ત્રીઓ અને બર્થકંટ્રોલ ગોળીઓ લેતી હોય ત્યારે ઃ ગર્ભવતી સ્ત્રીઓના શરીરમાં વજન વધે, ચરબી વધે, આરામ વધે ત્યારે ટેન્શન પણ હોય માટે બી.પી. વધે. આ જ રીતે જે સ્ત્રીઓ બાળક ના થાય માટેની ગોળીઓ વારે વારે લેતી હોય તેમને બી.પી. વધે.

૬. પાંત્રીસ વર્ષની ઉપરના પુરૃષો અને સ્ત્રીઓમાં બી.પી. વધે ઃ આ ઉમરે ઘરની જવાબદારી, બાળકોની જવાબદારી - આર્થિક કારણો અને પોતાની નોકરી અને ધંધામાં મઝા ના આવતી હોય એટલે ટેન્શન વધે અને બી.પી. થાય.

૭. જેઓને 'સ્લીપ એપ્નીઆ' હોયઃ એક શ્વાસ લેવાની બિમારી જે સમાજના ૨૧ ટકા લોકોમાં હોય છે. જેમાં રાત્રે નસકોરા બોલે અને થોડી થોડી વારે શ્વાસ લેવો પડે (આંચકા સાથે). દિવસે પણ એવું વારે વારે થાય. આવા લોકોને બી.પી. થાય.

૮. રીનલ આર્ટરી સ્ટેનોસીસ ઃ આ એક પ્રકારનો જન્મજાત રોગ છે જેમાં બન્ને અથવા એક કિડનીને લોહી પહોંચાડનારી નળીઓ (આર્ટરી) સાંકડી હોય ત્યારે બી.પી. હોય. કેટલીકવાર ઉમરને કારણે, હાર્ટડીસીઝમાં, કિડનીના રોગોમાં તમાકુ લેનારામાં, ચરબીવાળો ખોરાક લેનારાને કોલેસ્ટ્રોલ ખૂબ વધી ગયું હોય તેમને જેમ હાર્ટની નળીઓમાં ક્લોટ થાય છે તેવી રીતે કિડનીની નળીઓમાં ક્લોટ થાય.
બ્લડ પ્રેશર માપવા માટેની થોડી સૂચનાઓ

૧. જમ્યા પછી બી.પી. માપવું નહીં. ૨. તમારી જાતે ઈલેક્ટ્રોનીક બી.પી. મશીનથી બી.પી. માપશો નહીં. ૩. બે કલાકના આરામ પછી બી.પી. માપશો. ૪. બપોરે કે સવારે ચાલતા ડૉક્ટરને દવાખાને ગયા અને પછી તમે ઉતાવળમાં હો અને ડૉક્ટર ઉતાવળમાં હોય ત્યારે કે તમે દાદરો ચઢીને બી.પી. માપવા જશો નહીં ૫. ડૉક્ટર કામમાં હોય અને તમે વેઈટીંગ રૃમમાં બીજા દરદીઓ સાથે બેઠા હો ત્યારે આ દર્દીઓ સાથે તેમના કે તમારા કોઈ રોગની વાતો ના કરશો. શાંતિથી બેસી તમારો વારો આવે ત્યારે સ્વસ્થ રીતે ગભરાયા વગર કે બી.પી. નીકળશે તો શું થસે એવા વિચારો ના કરતા ૬. વારે વારે ડૉક્ટરને બદલશો નહીં ૭. ઈલેક્ટ્રોનીક કે બીજા કોઈ સાધનથી બી.પી. મપાવશો નહીં. ફક્ત પારાવાળું બી.પી. મશીન જે 'સ્ફીગ્નોેનોમીટર' તરીકે જ ઓળખાય છે તેનાથી જ બી.પી. મપાવશો. ૮. પહેલીવાર બી.પી. વધારે આવે એટલે કે ઉપરનું ૧૨૦ને બદલે ૧૩૦ કે ૧૪૦ અને નીચેનું ૯૦ કે ૧૦૦ આવે ત્યારે એકદમ ડૉક્ટરની દવા ચાલુ ના કરશો.

બી.પી.ને કાબુમાં રાખવા શું કરશો ?

સીધી અને સાદી વાત છે જે કારણો (આગળ જણાવ્યા છે)થી બી.પી. થાય છે તે બધા જ ને ધ્યાનમાં રાખી આટલી વસ્તુ કરવી જ પડશે. તમારૃં ધ્યેય તમારૃં બી.પી. ૧૨૦/૮૦ કે ૧૩૦/૮૦ રાખવાનું હોવું જોઈએ. આ માટે આટલું કરો.

૧. પૌષ્ટીક અને તાજો ખોરાક જેમાં મીઠું અને ચરબી ઓછી હોય એ જ લેવાનો શરૃ કરો.

૨. તમારે કસરત કરીને તમારો બી.એમ.આઈ. ૨૪થી વધે નહીં તેનું ધ્યાન રાખો.
 વજન ઓછું કરવા ખોરાક પણ ઓછો કરો.

૩. સિગરેટ, તમાકુ અને આલ્કોહોલ તદ્દન બંધ કરી દો. બીજા બધા નિયમો કરતાં આ નિયમમાં ભૂલ ના કરશો.

૪. ટેન્શનના જેટલા કારણો હોય તેનો વારા ફરતી ઉપાય કરો જે કારણોનો તમારાથી ઉપાય થઈ શકે તે કરીને અથવા કોઈની મદદ લઈને તેનો નીકાલ કરો જે કારણો તમારા હાથમાં નથી તે માટે પરમેશ્વરને પ્રાર્થના કરો. દા.ત. તમારા કુટુંબમાં પત્ની-દીકરો-દીકરી-મા-બાપ કોઈ બિમાર પડયું હોય તો ટેન્શન રાખ્યા વગર સારવાર કરો. અશુભ વિચાર કરી ટેન્શન ના વધારો. બેબીના વિવાહ નથી થતા કે દીકરો બરાબર ભણતો નથી તો તેને માટે ટેન્શન રાખ્યા વગર પ્રયત્ન ચાલુ રાખો. નિરાશ થઈને નસીબને દોષ ના દેશો. કોઈને પૈસા કે માલ આપ્યો હોય અને પૈસા ના મળે તો તેનું રોજ ટેન્શન ના રાખો. મળશે એવી શ્રદ્ધા રાખો. ફરી આવી ભૂલ પૈસા કે માલ આપવાની ના થાય એનો ખ્યાલ રાખો. ટેન્શનનું બીજું કારણ વધારે પડતી અપેક્ષા છે. જે છે તે સરસ છે. આ વાત તમારા માટે, ઘરના લોકો માટે, ઘરની બધી જ વસ્તુઓ માટે, કુટુંબના સભ્યો માટે, તમારા ગામ કે શહેર માટે - બધાને માટે લાગુ પડે છે. તમારી પાસે છે એ બધું સરસ છે, એ માનો અને આ ઉપરાંત તમારા જીવનમાં જે કાંઈ હાલ બને છે તે સરસ છે જે ભૂતકાળમાં બની ગયું તે પણ સરસ હતું અને ભવિષ્યકાળમાં જે કાંઈ બનવાનું છે તે સરસ થવાનું છે એવો દ્રઢ વિશ્વાસ રાખો. આજથી નક્કી કરો કે કોઈ અપેક્ષા રાખવી જ નથી. આ ઉપરાંત રોજ ૧૦ મીનીટથી ૨૦ મીનીટ ખરા દિલથી તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરો અને મનને શાંત રાખો. આખી દુનિયામાં તમને એકલાને જ અન્યાય થયો છે એવું કદાપી માનશો નહિ)

જીન્સમાં જ બી.પી. વધારે હોય (જન્મજાત) તો શું કરશો ?

આગળના બધા જ ઉપાય કર્યા છતાં બી.પી. કાબુમાં ના આવે તો ચોક્કસ માનજો કે તમારા જીન્સ (વારસાગત)નું કારણ છે. આજે કોઈ 'એસેન્શીઅન હાયપરટેન્શન' પણ કહે છે. આને 'ઇડીયોપેથીક હાઈપરટેન્શન' અથવા 'પ્રાઈમરી હાયપરટેન્શન' પણ કહે છે. જેને હાઈ બી.પી. છે એવા ૯૫ ટકા લોકોને આ કારણ હોય છે જે આગળ બતાવેલા કોઈપણ ઉપાયોથી નોર્મલ થતું નથી. આ માટે કારણ તમારા જીન્સ અને વાતાવરણ ગણાય છે. આ માટે તમારે નિષ્ણાત ડૉક્ટર પાસે જઈને દવા લેવી પડે. બને ત્યાં સુધી રોજની એક જ ગોળી વારે વારે ડોઝ કે દવા બદલ્યા વગર લેવી જરૃરી છે. તમારા
ડૉક્ટરની સલાહ આ માટે અગત્યની છે.

લોહીનું દબાણ વધારે રહે તો શું થાય

૧. સ્ટ્રોક અથવા મગજનો એટેક થાય જેમાં મગજની ઝીણી નળીઓ બી.પી. વધવાને કારણે તુટી જાય. આને કારણે લોહી નીકળે અને તેની અસરથી પક્ષાઘાત થાય. જો જાણે અજાણે તમારૃં ઉપરનું બી.પી. ૨૦૦ ઉપર અને નીચેનું ૧૩૦ જેટલું થાય તો અચુક આવું બને.

૨. તમારા હૃદયનું કદ વધે (એન્લાજ હાર્ટ) ઃ જેમ જેમ બ્લડ પ્રેશર વધે તેમ તેમ હૃદયને શરીરના અંગોને લોહી પહોંચાડવા વધારે મહેનત કરવી પડે આને કારણે હૃદયનું કદ વધે. આની જ્યારે લીમીટ વધી જાય ત્યારે હાર્ટ ફેલ્યોર અને મૃત્યુ થાય.

૩. કિડની ખરાબ થાય ઃ કિડનીમાની નાની નળીઓ પણ તૂટે તેથી કિડની પણ લાંબે ગાળે કામ કરતી બંધ થાય. આ માટે દર વર્ષે તપાસમાં કિડનીનો ખાસ રીપોર્ટ સીટમ ક્રિએટીનીન કરાવી લો. જેનું પ્રમાણ ૧.૫ મી.ગ્રામથી વધારે આવે તો હાઈ બી.પી.ની અસર કિડની પર થઈ છે તેમ નક્કી થાય.

૪. આંખે અંધાપો આવે ઃ બી.પી. વધવાને કારણે આંખની લોહીની નળીઓ તૂટી જાય ત્યારે રેટીનલ હેમોરેજ થાય અને અંધાપો આવે.

૫. હાર્ટ એટેક આવે ઃ બી.પી. વધારે હોય ત્યારે હૃદયને પોતાને પૂરતું લોહી ના મળે અને તેને લીધે હાર્ટ એટેક આવે.

૬. યાદશક્તિ જતી રહેવી ઃ મગજને લોહી આપનારી નળીઓ સાંકડી થઈ જાય તેને કારણે લોહી મગજના કોષને પહોંચે નહીં. આમાં પણ હાઈ બી.પી. કારણ ગણાય છે.

૭. જાતીય શક્તિ જતી રહે ઃ હાઈ બી.પી. હોય ત્યારે પુરૃષોના શિશ્નને પૂરતું લોહી ના મળે એટલે શિશ્ન ઉત્થાન થાય નહીં અને જાતીય શક્તિ જતી રહે. સ્ત્રીઓમાં પણ હાઈ બી.પી.ને કારણે જાતીય શક્તિ (સેક્સની ઈચ્છા) ઓછી થઈ જાય.

૮. હાડકા નબળા પડે ઃ હાઈ બી.પી.ને કારણે વ્યક્તિના પેશાબમાં કેલ્શ્યમ વધારે નીકળી જાય આને કારણે હાડકા નબળા પડે.

૯. ઉંઘ ના આવે  ઃ સ્લીપ એપ્નીઆનો રોગ બ્લડપ્રેશરવાળાને થવાની શક્યતા વધારે હોય એટલે ડીસ્ટર્બ સ્લીપ આવે.

૧૦. પેરીફલ વાસ્કયુલટરડીસીઝ ઃ બી.પી. વધે ત્યારે પગની નળીઓમાં ક્લોટ થવાથી પગમાં તકલીફ થાય.

દવા વગર લોહીનું દબાણ કેવી રીતે ઓછું કરશો ?

અગાઉ જણાવેલ બધી જ વસ્તુ કરવાની સાથે હર્બલ-મેડીસીનના પ્રચારકો તમને બી.પી. ઓછું કરવા નીચેના ઉપાયો જણાવે છે.

૧. લસણ ઃ રોજ ચાર કળી લસણની છૂદી નાખીને
 દુધ સાથે પીવાથી તમારૃં બી.પી. એક માસમાં કાબુમાં આવે છે. લસણમાં આવેલ તત્ત્વોને કારણે આમ બને છે.

૨. સર્પગંધા ઃ આ છોડના મૂળ સાપ જેવા હોય છે અને તેની ગંધ સાપ જેવી છે. જૂના વૈદકિય શાસ્ત્રોમાં લોહીના દબાણ માટે વાપરવાનો ઉલ્લેખ છે. તેમાં ''સર્પેન્ટીનીન'' અથવા 'ટીસર્પીન' નામનું તત્ત્વ છે જેને કારણે બી.પી. ઓછું થાય છે. ઉંઘના પ્રોબ્લેમ માટે પણ વપરાય છે. આ છોડના મૂળને સુકવીને તેનું ચૂર્ણ કરીને રોજનો પાંચ ગ્રામનો ડોઝ લેવાથી બી.પી.માં ફાયદો થાય છે.

૩. પુનર્નવા ઃ આર્યુવેદીક પ્રેક્ટીસ કરનારા વૈદ્યો બી.પી. માટે આ છોડની છાલમાંથી બનાવેલ ચુર્ણ રોજ ૫ ગ્રામ પાણી સાથે લેવાની ભલામણ કરે છે.

૪. કોથમીર ઃ સોજા માટે કિડનીના ઈન્ફેકશન માટે, ડાયાબીટીસ માટે કોથમીરનો ઉપયોગ તો જાણીતો હતો પણ હમણાં શોધ થઈ છે કે રોજ લીલી કોથમીર ૨૦ ગ્રામ રસ કાઢીને કે એમ ને એમ સાફ કરીને ખાવાથી બી.પી. કાબુમાં આવે છે.

૫. જીન્કોગા બીલોલા ઃ આ છોડ ચીનમાં થાય છે. આના ઉપયોગથી લોહીનું પરિભ્રમણ વધે છે. આર્ટરી પહોળી થાય છે અને બી.પી. ઓછું કરવા વપરાય છે. હવે બજારમાં તૈયાર ગોળી સ્વરૃપે મળે છે જે તેના પાદડાંમાંથી બને છે.

૬. આદુ ઃ રોજ આદુનો રસ એક ચમચી પીવાથી બે મહિનામાં બી.પી. ઘટે છે.

૭. હાઉથોર્ન બેરી ઃ યુરોપ અને અમેરીકામાં થતા આ છોડના  ફળ (બેરી)નો રસ કાઢી રોજ બે ચમચી પીવાથી બી.પી.માં ફેર પડે છે. ભારતમાં આ મળતું નથી.

1 comment:

  1. https://www.facebook.com/pages/Fans-of-Health/162522693929381?skip_nax_wizard=true

    ReplyDelete