Health
Friday, September 27, 2013
સિંગદાણા-અખરોટ હૃદયરોગ અને કેન્સરની ઢાલ છે Kanti Bhatt
-
સિંગમાં એન્ટિ ઓક્સિડન્ટ ગુણો છે. તેને માપસર અને અમુક ફ્રૂટ સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે
સેમ્યુઅલ જોન્સન નામના મહાન લેખક કહેતા કે મારે જ્યારે રિસાયેલા મિત્રને મનાવવો હોય ત્યારે હું તેને સારું જમણ જમાડું છું. પણ જેમણે માટે વેંત ન હોય ત્યારે હું સોલ્ટેડ પીનટ અર્થાત્ ખારા સિંગદાણા ખવરાવું છું તેણે
અગ્રેજીમાંય કહેલું ''એ ગુડ ડીનર ઓર એ ગુડ સોલ્ટેડ પીનટ લુબ્રિકેટસ ફ્રેન્ડશિપ એન્ડ બિઝનેસ’’
સિંગદાણાને આટલું બધું સાહિત્યના માણસે મહત્ત્વ આપ્યું તે અમને તો ખબર જ નહીં. સિંગદાણા એ ગરીબ-તવંગરનો સરખો નાસ્તો હતો- છે. મહુવામાં ૧૯૪૬માં માલણ નદીમાં પૂર આવતાં ત્યારે રસ્તામાંથી બે પૈસાની ખારી સિંગ ખાતાં ખાતાં નદીનું પૂર જોવા જતાં. એ પછી કારતક-માગશર આવે ત્યારે નદીએ ફરવા જઈએ ત્યારે પણ ૧૯૪૪માં રસ્તામાંથી બે પૈસાની સિંગ લઈ માલણ નદીના વેકરામાં સિંગદાણા ભેળવીને પછી
વીણી વીણીને -વીણી વીણીને ખાતા નાસ્તો લાંબો ટકે તે માટે.
ગાંધીજી સિંગને ગરીબ માણસની બદામ કહેતા પણ ગાંધીજીએ વાત વધુ અધૂરી કે ખોટી કહી. અમને એકમાં બદામ મૂકી હોય કે બીજામાં ખારી સિંગ મૂકી હોય તો ખારી સિંગથી અમારું મોઢું વહેલું પાણી પાણી થાય. અમે સિંગ જ પસંદ કરીએ. આજે જ્યારે સિંગદાણા કે મગફળી કે ખારી સિંગ વિશે લખું છું ત્યારે બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટીશન જેમાં ડો. બ્લોમ હોફ કાર્લસને સિંગ ઉપર સરસ લેખ લખ્યો છે તે યાદ આવે છે. તે કહે છે કે જો સિંગદાણા ખાતી વખતે તમને ગરીબનો નાસ્તો કરો છો તેવી 'શરમ’ લાગતી હોય તો બહુ બહુ તો તમે અખરોટ ખાઓ. પણ અખરોટ કરતાં સિંગદાણા વધુ એન્ટિ ઓક્સિડન્ટ છે.
એટલે કે બ્રિટિશ જર્નલના કહેવા મુજબ સિંગદાણા હૃદયરોગને નિવારતું કોલેસ્ટરોલ ઘટાડે છે બી.બી.સી.એ લખ્યું છે કે યુનિવર્સિટી ઓફ ફલોરિડાના વિજ્ઞાનીઓએ જાહેર કર્યું છે કે સિંગદાણાને પ્રમાણભાન રાખીને ખાવાથી તે માત્ર હૃદયરોગ સામે નહીં પણ કેન્સર સામેની ઢાલ બને છે. (જુઓ બીબીસી ન્યૂઝ-પીનટસ રીચ ઈન ગુડ કેમિકલ્સ) પરંતુ હૃદયરોગ અને કેન્સરની ઢાલ તરીકે સિંગ ખાવી હોય તો ખારી સિંગ નહીં, સાદી શેકેલી ખાવી. સિંગના ખોખા ખાવા. જો તમે ફોતરાવાળી શેકેલી સિંગ ખાઓ તો સિંગની અંદરના લાભકારી રસાયણોનો લાભ મળે છે. સિંગને શેકવામાં વાંધો નથી.
તેમાં ડો. સ્ટીવ ટાલકોટ ઉમેરો કરે છે કે તમે સ્ટ્રોબેરી કે મીઠાંબોર કે દાળિયા-ચણા સાથે ખાઓ તો તો સિંગનો ઓર લાભ મળે છે. ખરેખર ડો. સ્ટીવ ટાલકોટ કહે છે કે અમને પણ નવાઈ લાગી કે સિંગમાં આવા એન્ટિ ઓક્સિડન્ટ ગુણો છે. જોકે અમે સૌરાષ્ટ્રના લોક કહીએ છીએ કે મેકડોનાલઝના નાસ્તા કે તળેલા નાસ્તા ઓછા ખાઓ, બાજરાના રોટલા અને રીંગણાનું શાક તેમ જ બપોરે કટક બટક કરવાનું મન થાય
ત્યારે સિંગદાણા ખાઓ. સૌરાષ્ટ્રમાં એટલે જ હૃદયરોગના કે કેન્સરના દર્દી અમારા સમયમાં ઓછા હતા.
સિંગદાણા ખાઓ અને ઉપરથી દાડમના દાણા ખાઓ તો બીબીસીનાં કહેવા પ્રમાણે સિંગદાણાં વધુ આરોગ્યકારી લાભ મળે છે. પણ સાવધાન બહુ જ ઓછા પ્રમાણમાં માપસર ખાઓ અને આરોગ્ય માટે ખાઓ તો ખારી સિંગ ઓછી ખાઓ. ડો. ફ્રેન્કી ફિલિપ્સ નામના બ્રિટિશ ડાયેટેટિક એસો.ના સલાહકાર કહે છે કે સિંગદાણા સાથે અમુક ફ્રૂટ કે મૂળા કે કાકડી કે બીજા કચૂબર ખાઓ તો બેસ્ટ કેલિફોર્નિયાની લોમા-લીન્ડા યુનિવર્સિટીએ ૭ દેશોમાં સંશોધન કરાવ્યું તો માલૂમ પડયું કે અખરોટથી કોલેસ્ટરોલ ઘટે છે. તેમાં અખરોટ ૧લે નંબરે અને બીજે નંબરે સિંગ છે અખરોટ માફકસર ખાવાથી માનવીની શરીરની રોગપ્રતિકારશક્તિ વધારે છે. સ્ત્રીઓએ ગર્ભવતી હોય ત્યારે સિંગ કે અખરોટ ખાવા. ડાયાબિટીસ અને કેન્સર સામે અખરોટ મોટી ઢાલ છે.
ચીન ગરીબ દેશ છે પણ તેના લોકો હૃદયમાં ''તગડો’’ છે. તમને બચપણ યાદ હોય તો બજારમાં બૂમ મરાતી-'ચીનાઈ સિંગ ગરમાગરમ’ આજે જગતમાં સૌથી વધુ સિંગની પેદાશ ચીનમાં છે. ચીનમાં ૧.૪૩ કરોડ મેટ્રિક ટન અને બીજે નંબરે ભારતમાં ૬૨.પ લાખ મેટ્રિક ટન સિંગ પાકે છે. અમેરિકા ત્રીજે નંબરે છે પણ ગરીબ ગણાતો બર્મા દેશ સિંગના ઉત્પાદનમાં અમેરિકાની હારોહાર છે. મને રંગૂન ગયો ત્યારે સિંગની વાનગીઓ ખાવા મળેલી. સૌરાષ્ટ્ર, ગુજરાત કે મુંબઈમાં સિંગપાક થાય છે. નાઈજીરિયામાં પાકતી સુંદર સિંગને
અમેરિકા અને યુરોપના લોકો બગાડીને ખાય છે.
સિંગ કાંઈ અમારી કિશોરવયમાં સસ્તી કે સુલભ નહોતી. કાઠિયાવાડીની માતા, ફોઈબા કે માસી એકાદશીના ઉપવાસ કરે ત્યારે મોંઘા ''ફળાહાર’’ મળતાં નહીં. અમારી માતા કે ફોઈબા સિંગની 'ફળાહાર’ વાનગી જ ખાતા. મારા
કાકા મલેશિયાથી વતનમાં આવ્યા ત્યારે આખા ભાવનગર જિલ્લાની સિંગ ફોલાવીને તેના દાણા નિકાસ કરતા. એ કાઠિયાવાડી સિંગમાંથી આખું એશિયા કોઈને કોઈ વાનગી ખાતું. વિશ્વ ઉત્પાદનમાં ચીન ૪૧.પ ટકા સિંગ પકાવે છે અને છતાં ચીનની સિંગનાં તેલ કરતાં ભારતની મગફળીનું તેલ મલેશિયાના ચીના પસંદ કરતા. ઉપરાંત મગફળીની વાનગી બનાવવી હોય તો ચીની ડિશમાં મગફળીને બાફીને ખવાતી તે સિંગમાં મલેશિયાના
ચીના ભારતની સિંગ પસંદ કરતા.
પણ યાદ રહે કે સૌરાષ્ટ્રમાં તો જ્યારે સિંગ-મગફળીને કોઈ જાણતું નહીં ત્યારે રસોઈના તેલ માટે માત્ર તલનું તેલ જ વપરાતું. ૧૧પ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં મગફળીનું નામ નિશાન નહોતું. શહેર કે ગામડામાં, ઉસમાન, સુલેમાન
કે ''દાઉદભાઈ ઘાણીવાળા’’ની બળદથી ચાલતી ઘાણી ચાલે તેમાં તલ પિલાતા. ભારતીય કન્યાનાં લગ્ન થાય ત્યારે જવતલ હોમાતા. જગતમાં લગભગ પ૦૦૦ વર્ષ પહેલાં માનવી ખેતી કરતાં થયો ત્યારે તેલીબિયામાં સિંગ-મગફળીનું નામ નિશાન નહોતું. પણ પછીથી મગફળીને સૌપ્રથમ સૌરાષ્ટ્રની ધરતી પછી ગુજરાત નહીં પણ આંધ્ર અને મદ્રાસની જમીન ભાવી ગઈ. તલના તેલને ગુજરાતના દેસાઈઓ વાલની દાળ કે મગની દાળમાં ભેળવીને
ખાતા. હું હજી આખા ઊગાડેલા મગમાં ઉપરથી એક ચમચી કાચુ તલનું તેલ ખાઉ છું.
તલનું તેલ ''દાંતે -દાઢે’’ ઘસવું. ૬૦ વર્ષ પહેલાં હું બરણી લઈને તલનું તેલ લેવા જતો ત્યારે માત્ર ૮૦ પૈસા કિલો મળતું. સૌથી મોટું પાપ સિંગતેલ અને તે પહેલાં તલનું તેલ મોંઘું થયું ત્યારે રંગૂનના ગુજરાતી આયાતકારોએ કહ્યું. તેઓ સિંગતેલમાં પ૦ ટકા વ્હાઈટ ઓઈલ ભેળવવાનું કહેતા. સિંગતેલમાં અળસીનું તેલ, કપાસિયાનું તેલ, કરડીનું તેલ અને સરસવનું તેલ ભેળસેળ કરીને વેચતું. હવે આ તેલો જ ખવાય છે.
મુંબઈમાં દોરી-લોટો લઈને આવેલા સેંકડો સૌરાષ્ટ્ર ગુજરાતના વેપારી અબજપતિ થયા છે. ભારતનાં વાસ્કો ડી ગામાએ પગ મૂકયો ત્યારથી આપણને મગફળીનાં દર્શન થયા. આજે? આજે મગફળીનું તેલ દુર્લભ બન્યું છે. કોણ જાણે તમે ક્યું તેલ ખાઓ છો? સાચું તેલ ખાતા નથી એટલે ઘણાં જુવાનિયાના ''તલ’’માં તેલ જણાતું નથી
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment