Monday, January 6, 2014

ગાયનું ઘી અને અડદના ઔષધિય ફાયદા

ગાયનું ઘી અને અડદના ઔષધિય ફાયદા
ગાયનું ઘી અને અડદના ઔષધિય ફાયદા
Kanti Bhatt
આખું વર્ષ નિરોગી રહેવા માટે શિયાળામાં ભરપૂર વસાણાં ખાવાં જોઈએ
અમારા મહુવામાં નૂરઅલી નામનો મુસ્લિમ ગળ્યા બરફના ગોળાની લારી લઈ નીકળતો અને બોલતો ''ઉનાળે હેમાળો’’ અને શિયાળામાં એ જ નૂરઅલી ''શિયાળે ગરમાટો’’ની બૂમ પાડીને અડદિયા લાડુની 'સસ્તી આવૃત્તિ’ વેચતો. આજે બીજાં શહેરોની જેમ મુંબઈમાં પણ કડક શિયાળો આવ્યો છે. ત્યારે અડદિયા લાડુ, કોપરાપાક અને ઘરે સગવડ હોય તો ગરમ ગરમ રોટલામા થીણું-થીણું ઘી અને ગોળ ખાવાની મોસમ આવી છે.
પણ ગાયનું દૂધ ખાય તો ગાયનું ઘી જ ખાવું. ગાંધીજીએ સ્થાપેલા ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમની ગૌશાળાનું ચોખ્ખું ઘી મને ૪પ વર્ષ પહેલાં ખાવા મળતું અને ત્યાનાં ડો. અગમ પ્રસાદે તો પ્રયોગ કરીને કન્જકટીવાઈટીસ નામના આંખના રોગમાં ગાયનું ઘી આંજીને ફટાફટ આંખનાં દર્દીને સારા કરેલા.મારા પિતા શરીરની ખોટી ગરમી દૂર કરવા તેમ જ આંતરડા તંદુરસ્ત રાખવા ગાયના દૂધમાં ગાયનું ઘી નાંખીને અગર તો ચામાં ગાયનું ઘી નાંખીને પીતા. કોઈને સાપ કે વીંછી કરડે ત્યારે ગાયનું ઘી ચટાડવામાં આવતું. મગજની શક્તિ વધારવા રાત્રે પગને તળિયે ગાયનું ઘી ઘસાતું. માત્ર લિવર અને હૃદયરોગવાળાએ ગાયનું કે ભેંસનું ઘી ખાવું ન જોઈએ.
મહીસુર ખાતેની ઈન્ડો અમેરિકન હોસ્પિટલના ડો. અમ્માને ગાયના ઘીની એક સરસ ઉપયોગિતા કહેલી. બાળક બહુ રડતું હોય તો ગરમ ગાયના દૂધમાં થોડું ગાયનું ઘી પીવરાવવાથી રડતું અટકી જાય છે ઘણાં બાળકો માતાને ધાવતા ન હોય તેને પણ ગાયનું ઘી દૂધમાં ચટાડવાથી ધાવતું થાય છે. યાદ રહે કે ઘી ગાયનું કે ભેંસનું તેમાં તળેલી કોઈ ચીજ ખાવી નહીં. હું રાજકોટ ગયો તો ત્યાં કમ્પ્યૂટરની મગજમારી કરતાં મારા યજમાન પટેલ સવારે થીણું ઘી જ ખાતા અને તે પણ ગીરની ગાયનું હવે બાકી રહે છે આ શિયાળાની મોસમમાં અડદિયા લાડુની વાત. ખ્યાલ રાખજો કે અડદિયા લાડુમાં ગાયનું ઘી જ વપરાય. ગાયોના દૂધમાંથી જે ઘી બને છે તે હૃદયરોગી પણ ખાઈ શકે છે.
ઊલટાનું કોલેસ્ટરોલ ઘટે છે સૌરાષ્ટ્રમાં મહુવામાં અમારા ફૈબાના ઘરે રહી ભણતો ત્યારે અમને ગાયના ઘીમાં બનાવેલા અડદિયા-લાડુ શિયાળે ખાવા મળતા. તે જમાનામાં ઘી ચોપડયા વગરનો રોટલો ખવાતો નહીં. તે વાંઝિયો રોટલો ગણાતો. લંડનનું ઈકોનોમિસ્ટ લખે છે કે અમેરિકામાં ૨૦૦૬માં આ વેજિટેબલની ચીજો ખાઈને પ૦૦૦૦ લોકો અકાળે મરેલા. હવે ભારતમાં તેલનું તલ ચોપડીને રોટલી ખાવી, પણ વેજિટેબલ તો નહીં જ નહીં. અમારા સૌરાષ્ટ્રના ખેડૂતો એટલા સમૃદ્ધ હતા કે વાવણીમાં બળદને બમણું જોરથી કામ કરવું પડે એટલે બળદને ગાયનું ઘી પાતા.હવે અડદિયા અને અડદ કે અડદની દાળ જે સૌરાષ્ટ્રનો સ્ટેપલ ફૂડ હતો તેની વાત કરીએ. બીચારી ગરીબ અંગ્રેજી ભાષામાં અડદ માટે સ્વતંત્ર શબ્દ જ નથી એટલે અડદને બ્લેકગ્રામ કહે છે. અડદમાં કેલ્શિયમ અને ફોરફરસના ઉત્તમ તત્ત્વો છે, તેનો લાભ આજે લેતા નથી. અડદની દાળ ખાતા નથી.
અડદના પાપડનો લાભ લેવો હોય તો કૃપા કરી પાપડને તળશો નહીં. અમે તો નાના હતા ત્યારે અડદના પાપડ વણાતા હોય ત્યારે તેનાં લુવા લુખ્ખા ખાતા આજે આપણા કરતાં પાકિસ્તાનમાં અડદની દાળ કે તેની વાનગીઓ વધુ ખવાય છે. આંધ્રપ્રદેશમાં ડાંગરના પાક પછી બીજે નંબરે અડદનો પાક લેવાય છે. શ્રેષ્ઠ અડદની વાનગી અગર ઈડલી-ઢોંસા ખાવા હોય તો આંધ્રના ગતુર જિલ્લામાં જવું. પંજાબી ભાઈઓ પણ અડદની દાળને માનવતું નામ આપીને 'દાલ-મખની’ કહે છે. જૂના જમાનામાં બિલ્ડિંગના ચણતરને મજબૂત બનાવવા સિમેન્ટ -ચૂનામાં અડદનો આટો ભેળવાતો વિયેતનામનાં લોકો ડાહ્યા છે કે તે અડદની કેટલીય વાનગી ખાય છે. ફરી લખું છું કે તમારા પુત્ર-પુત્રી અને ખાસ કરીને દીકરીઓ અડદની વાનગી ગાયના ઘીમાં ખવરાવો તેના વાળ લાંબા અને કાળા થશે.
મુંબઈના આયુર્વેદના વૈદ્ય પંકજના પિતા ખીમજીભાઈ નરમ અને ભાવનગરના વૈદ્યનાં પિતા અડદની દાળ દર સપ્તાહે એકવાર ખાવાનું કહેતા. ભગવદગોમંડળ અને ભાવનગરના વૈદ્ય કહે છે અડદની વાનગી બળ આપનાર છે અને માંસ (મસલ્સ) વધારનાર છે. માતાનું ધાવણ વધારે છે. અમેરિકાના જૂના સંસ્કારવાળા ડોક્ટરો કહે છે કે ડિસે. જાન્યુ.માં શિયાળો સખત બને છે. ત્યારે માણસ લેથાર્જીક બને છે. સુસ્ત બને છે તેણે અડદની વાનગી ખાવી જોઈએ. ડો. પંકજે નવી વાત કહી જે જૂની છે કે, અડદ અદ્ભુત ''રસાયણ’’ છે, વાજીકરણ છે અને આયુષ્ય વધારનાર છે. પણ તમે પૂછશો કે આ ''રસાયણ એટલે શું? રસાયણ એ એવું ઔષધ કે ખાદ્યચીજ છે જે ઘડપણ દૂર કરનાર અને જુવાની આપનાર છે. ભાવનગરના વૈદ્ય કહે છે કે માંસમાં જેટલા પોષક, બળદાયક અને માંસ વધારનારા તત્ત્વો તે તમામ અડદમાં છે. બજારમાં તૈયાર મળતો અડદિયો ખાવા કરતાં ઘરે બનાવીને ખાવો. ધોળાના એક વૈદ્ય શોખ ખાતર અડદિયો બનાવીને મિત્રોને ખવરાવે છે.

1 comment: