Health
Tuesday, July 2, 2013
લસણના ઔષધિય ગુણોને જાણો અને સ્વસ્થ રહો
ખરતા વાળ, પથરી, બ્લડપ્રેશર, હૃદયરોગ, ટીબી જેવી અનેક વ્યાધિના ઈલાજ તેમાં પડેલા છે
કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન
તને સરગ (સ્વર્ગ) દેખાડું શામળા
આવું આમંત્રણ તમે શામળાને આપો પણ તમને એક મૂંઝવણ થાય છે કે આ શામળાજીને તમે મરચાં અને લસણની ચટણી જમાડી શકતા નથી. ઈજિપ્તનાં પિરામિડો બાંધતી વખતે પરદેશથી આવેલા મિસ્ત્રીઓને વિદેશનો ખોરાક વાયુ કરતો હતો ત્યારે ઈજિપ્તનું લસણ ઓસડ અને ખોરાક બનેલું. હીપોક્રેટસ, ગેલન, પ્લીની એ બધા રોમન ફિલોસોફરો અને રોમન સોલ્જરોને તેની નાની-મોટી બીમારીમાં લસણ કામ લાગેલું. તમને નવાઈ લાગશે કે ૩૩ વર્ષ પહેલાં એક ફિલ્મ ઊતરેલી તેનું નામ હતું 'ગાર્લિક ઈઝ એઝ
ગુડ એઝ ટેન મધર્સ.’ લસણ તો દસ માતાની ગરજ સારે છે ખાસ તો આ આખું ચોમાસું તમારા શરીરનો વાયુ વધી જાય છે ત્યારે લસણ ખાસ ખાવું જોઈએ. લસણની ચટણી થાળીમાં હોય તેવો આગ્રહ રાખો.
કેલિફોર્નિયાના ગીલરોય શહેરમાં દર વર્ષે ગાર્લિક ફેસ્ટિવલ થાય છે. લોકો
લસણની અવનવી વાનગી બનાવે છે. સ્કોટીશ લોકોનો વ્હીસ્કી પ્રેમ જાણો છો. પણ વ્હીસ્કી પછીનો પહેલો પ્રેમ લસણ છે. ત્યાં પણ દર વર્ષે ગાર્લિક ફેસ્ટિવલ થાય છે. અમેરિકાનાં છ રાજ્યોમાં લસણઉત્સવ થાય છે. કોરિયામાં એક દંતકથા છે. કોરિયા જ્યારે રાષ્ટ્ર તરીકે સ્થપાયું ત્યારે ત્યાંના જંગલના વાઘે અને રીંછે ત્યાંના દેવતાને પ્રાર્થના કરી કે અમારે માનવ બનીને જલસા કરવા છે તો હાવાનુંગ
નામના દેવતાએ કહ્યું કે લસણની દસ કળી બીજી વનસ્પતિ સાથે ખાઈ જાઓ
સંસ્કૃતમાં રસોન, હિન્દીમાં લહસુન, બંગાળીમાં રસૂન, કન્નડમાં બિલીય, તેલુગુમાં
બેળુગીતેલાગુડા અને મલ્યાલીમાં વેળુળિ કહે છે. દક્ષિણ ભારતના જૈનો માટે લસણની બાધા સૌથી કઠિન હતી પણ મેં જોયું કે ત્યાં ઘણા જૈનો લસણ ખાતા હતા. લસણના થોકબંધ મેડિસિનલ ઉપયોગો છે, પણ માથાના સખત દુખાવા તેમજ આધાશીશી માટે આયુર્વેદમાં ઈલાજ છે કે લસણનું તેલ નાકમાં બે-ત્રણ ટીપાં નાખવા અને સવારે એક કળી લસણને લુખ્ખી ચાવી જવી. અમુક જાતના ક્ષયરોગમાં એલોપથીની દવા કામ કરતી નથી તેમને
લસણની ચટણી અને બાજરાનો રોટલો રીંગણાના શાક સાથે ખવરાવ્યો તો તેનો ટીબી ભાગી ગયો. લસણ જબ્બર કુદરતી એન્ટિબાયોટિક છે.
અલીગઢ મુસ્લિમ
યુનિવર્સિટીની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં નિયમિત લસણની વાનગી પીરસાય છે. સૌરાષ્ટ્રમાં હાર્ટએટેક જેવો શબ્દ જ અમે સાંભળેલો નહીં. સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી જંકફૂડ અને ગુજરાતિયું કે અમેરિકનિયું ખાણું આવ્યું નહોતું ત્યાં સુધી હૃદયરોગને કોઈ જાણતુ નહીં. આવ્યા પછી જ્યારે લસણ ભુલાયું ત્યારે જ સૌરાષ્ટ્રના લોકોએ હૃદયરોગને જાણ્યો.
લસણમાં કુદરતી રીતે પેનિસિલીનના ૧પ યુનિટ જેટલું જંતુનાશક તત્વ છે. એટલે લસણ ખાનારના પેટમા જંતુ રહી શકતા નથી. લસણમાં જે તૈલી તત્વો છે તે શરીરમાં જઈને લોહીને સાફ કરે છે અને ફેફસાં મજબૂત કરે છે. લસણ તમામ ઋતુની ઔષધમય ખાવાની વાનગી છે. શિયાળામાં
લસણ તમને અંદર બહાર ઉષ્મા આપે છે, ઉનાળામાં તમારા શરીરમાંથી પરસેવો કાઢીને તમને ઠંડા રાખે છે. સૌરાષ્ટ્રના ક્રિકેટરો અને ખાસ તો રવીન્દ્ર જાડેજા આજકાલ ઈગ્લેંડમાં છે તેને રાજકોટની લસણની ચટણી યાદ આવતી હશે કારણ કે જેવો વરસાદ પડે એટલે લસણવાળા, ફરસાણ અને ચટણી યાદ આવે. સન-ડે ટાઈમ્સની કટાર લેખિકા ડો. અરેબેલા બોકસરે તેને ઘરે બે જર્મન મહિલાને જમવા બોલાવી તેમને લસણનો સૂપ પાયો હતો.
તેમણે ડો. અરેબેલાને કહ્યું કે અમે તમારા ઘરે ટેક્સીમાં આવેલા પણ લસણનો સૂપ પીધા પછી એટલી તાકાત આવી કે ચાલીને આવ્યાં.
સ્વિટ્ઝર્લેન્ડના નેચરોપથી ડો. બર્ચર
બેનર તેના દર્દીઓને લસણવાળો આહાર આપતો. તેના કહેવા મુજબ લસણથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. આંતરડાનો કચરો સાફ થાય છે. હું ગાંધીજીના નિસર્ગોપચાર આશ્રમમાં ગયો ત્યાંના મેનેજર શ્રીકૃષ્ણચંદ્રજી અને ખાસ વિનાબા ભાવેના નાનાભાઈ બાલકોબા ભાવે નિયમિત કાચું લસણ ખાઈ જતા. બાલકોબા ભાવેને ટીબી હતો તે લસણે સારો કર્યો. બાલકોબા ભાવેએ કહ્યું કે 'લસણની કોઈપણ બનાવટને બદલે જેટલું ખાઈ શકાય
તેટલું કાચું જ કે ચટણીરૂપે ખાવું જોઈએ. ચેકોસ્લોવેકિયાના એલોપથિક ડોક્ટરો પણ જ્યારે દર્દીનુ કોલેસ્ટરોલ કુદરતી રીતે ઘટાડીને હૃદયરોગની શકયતા શૂન્યવત કરવી હોય ત્યારે લસણ ખાવું તેમ કહેતા. લસણથી બ્લડસુગર પણ ઓછી થાય છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો ઘાયલ થાય પછી તેમને એન્ટિસેપ્ટિક અસર આપવા અને ઘા વકરે નહીં તે માટે સૈનિકોને લસણ ખાવા અપાતું. મુંબઈની મહિલાઓ જે ઘર
સંભાળે છે, ઓફિસ સંભાળે છે. તેમાંની ઘણી હાઈપર ટેન્શનથી પીડાય છે. તેમણે લસણ-કોથમીરની ચટણી ખાવી.
ઈજિપ્ત અને ભારતના ખોળે બેઠેલું લસણ ચીનાઓને સૌથી વધુ માફક
આવ્યું અને જગતમાં ૭૭ ટકા લસણ (૧ કરોડ ટન) ચીનમાં પાકે છે. ભારતમાં ૮૩૩૯૭૦ ટન અને પછી દક્ષિણ કોરિયામાં પાકે છે. અમેરિકા મોડું મોડું લસણના ગુણો જાણી ગયા પછી કાઠિયાવાડી જેટલું ખાય છે. અરે ઘણા પટેલો રાજકોટથી લસણની ચટણી (સૂક્કા મરચાંની) લઈ જાય છે. 'ન્યૂર્યોક ટાઈમ્સ’ની સાથે એક 'ફૂડ સપ્લિમેન્ટ’ બહાર પડે છે તેમાં લખે છે કે ડો. વેવર્લીરૂટ જે લસણના ફાયદા સમજાવવા ફ્રાંસ ગયા તેમણે
'ફૂડ’ નામની ડિકશનરીમાં લસણના ગુણ લખ્યા હતા. ફ્રાંસ ગયા ત્યારે ૧૯૨૭મા બધા જ ફ્રેંચમેનો લસણને ધિક્કારતા હતા, પણ પછી ૧૯૪૦માં પાછા ફર્યા ત્યારે ફ્રેંચ લોકોને દરેકના ઘરે લસણ વગર ચાલતું જ નહીં 'ન્યૂર્યોક ટાઈમ્સ’ અનુસાર અમેરિકન પ્રમુખનાં પત્ની એલેનોર રૂઝવેલ્ટ તેની યાદશક્તિ સુધારવા માટે રિલિજિયાસલી લસણની કાચી કળી ચાવતા હતા.
ઈટાલિયન કેથોલિક પાદરીઓ તો એટલું લસણ ખાતા કે ડો. મોલી ઓ’નીલના કહેવા મુજબ તેમનાં શરીર લસણથી ગંધાતા. અમેરિકાનું ૯૦ ટકા લસણ કેલિફોર્નિયામાં થાય છે અને ખાસ કરીને ગીલરોય ગામે જ્યાં ગાર્લિક
ફેસ્ટિવલ થાય છે ત્યાં પાકે છે. ડો. મોલી ઓ’નીલે લસણના વખાણ વિચિત્ર રીતે કર્યા છે. લસણને તેણે સ્ટિકિંગ રોઝ કહ્યું છે-'ગંધાતું ગુલાબ’ તરીકે વણર્વાયું છે તે લસણ ગુલાબ કરતાં વધુ ગુણો ધરાવે છે. પુરાણા ઈજિપ્તમાં ગાર્લિકના દંડા તેમના રાજાઓની કબર ઉપર લટકાવતા અને લસણના સોગંદ ખાતા આધુનિક મહિલાઓ જે લસણ સામે નાકનું ટેરવું ચઢાવે છે તેણે જાણવું જોઈએ કે તમારા વાળ ખરતા હોય ત્યારે
લસણ જેવો કોઈ ઈલાજ નથી. સૂતા પહેલાં લસણની લુગદી માથે ઘસી હોય તો વાળ ખરતા નથી.
'ધ ગાર્ડિયન’ નામના લંડનના દૈનિકના મેડિકલ કોરસપોન્ડન્ટ
૧-૯-૨૦૦૦ના અંકમાં તેમજ ડો. પંકજ નરમે કહેલું કે જેને ડિપ્રેશન સતાવે તેણે લસણ જરૂર ખાવું. ટ્રાયસાયકલિક-એન્ટી ડિપ્રેસન્ટને બદલે લસણની ચટણી ખાવી. લસણના ઘણા સચોટ હૂચકાથી લેખ પૂરો કરીએ. જર્મનીના લુનબર્ગ શહેરમાં માર્ચ ૧૯૮૯મા એક ગાર્લિક સેમિનાર યોજાયેલો તેમાં જગતભરના ૮૦ લસણ નિષ્ણાતો આવેલા. તે લોકોએ લસણનો ઔષધિય છોડ જાહેર કરેલો. લસણનું દાન કરવું એટલે કે પાડોશી લસણ માગવા આવે
તો જરૂર આપવું. પથરીનો ઈલાજ લસણ છે. ફિલિપાઈન્સમાં અસુરી તત્ત્વોને ભગાવવા લસણ ઘરમાં રખાય છે. મતલબ કે ફિલિપાઈન્સમાં રિલિજિયસલી ખવાય છે.
**************************
લસણ લાજવાબ!
હાઇ બ્લડપ્રેશરના દર્દીઓ માટે લસણનો ઉપયોગ ભરોસાપાત્ર અને હાનિરહિત ઔષધિ તરીકે આધુનિક તબીબીશાસ્ત્રોએ
પણ સ્વીકાર્યોં છે.
લસણ નાડીના ધબકારાને નિયમિત કરે છે અને રક્તવાહિનીઓમાં થતી તાણ ઘટાડી હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
માનસિક અને શારીરિક તાણ-વ્યથા ઘટાડી, ચિત્તને પ્રફુલ્લિત રાખે છે.
લસણ પાચનક્રિયાઓને ઉત્તેજિત કરી પેટ અને આંતરડાંના છૂપા ગોરસને બહાર કાઢી પેટમાં આવતી ચૂંક મટાડે છે.
તેમાં રહેલી ‘જંતુનાશક’ પ્રકૃતિને લીધે આંતરડાંનો સડો અટકાવે છે.
એ સિવાય લસણનો ઉપયોગ હૅરલોસની ટ્રીટમેન્ટમાં પણ થઇ શકે છે, લસણમાં રહેલું એલિસિન વાળને ખરતા અટકાવે છે. માથા પર લસણના ટૂકડાને ઘસવાથી
થોડા જ દિવસમાં ફરક જણાય છે.
તેવી જ રીતે ટોપિકલ ટ્રીટમેન્ટમાં, ખીલ કે મોં પર ગરમીનું પ્રમાણ વધારે હોય તો પણ લસણના કટકાને તેના પર ઘસવાથી ફાયદો મળે છે.
એ સિવાય શરદીના મારાથી બચવા માટે ગરમ પાણીમાં લસણ નાખીને ચા બનાવી પીવાથી રાહત જણાય છે. ચાનો સ્વાદ સહ્ય કરવા માટે તેમાં આદું કે મધ ઉમેરી શકાય છે. પગમાં પડતા છાલા ઉપર લસણના તેલની નિયમિત માલિશ કરવાથી ફાયદો થાય છે. લસણને સોજા અને દુખાવામાં પણ અસરકારક ઔષધ તરીકે વાપરી શકાય છે. લસણનો ઘણી જગ્યાએ જંતુનાશક તરીકે પણ ઉપયોગ થાય છે. આમ લસણ
જેટલું નાનું દેખાય છે એના કરતાં અનેક ગણા વધારે ગુણો પોતાનામાં સમાવે છે. જેનો આપણે પણ ઘરેલુ ઉપચાર તરીકે વપરાશ કરી શકીએ છીએ.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment