26, એપ્રિલજો તમારું કામ કોમ્પ્યૂટર વર્ક સાથે જોડાયેલ હોય તો તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે તમારા માટે આસન અને પ્રાણાયામ જરૂરી છે. હાલના આધુનિક યુગમાં ઘરમાં અને ઓફિસમાં દરેક જગ્યાએ કોમ્પ્યૂટરનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલું જ નહીં આજના યુગમાં મોટા લોકોની સાથે બાળકો પણ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. એવામાં કોમ્પ્યૂટર પર કામ કરતી વખતે કલાકો સુધી તેની સામે બેસીને કામ કરવું પડે છે.
માનવ જીવન ધીરે ધીરે પ્રકૃતિથી અલગ થઈ રહ્યું છે, જેથી એવી વસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે કે જેનાથી શરીરની તકલીફો વધતી જાય છે. કોમ્પ્યૂટરના કારણે શારીરિક અને માનસિક થાક વધુ લાગે છે. વિશ્વમાં ભારતીય યોગની પદ્ધતિ વધુ લોકપ્રિય બની છે, જે માનવીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા અને તાજગીનો અહેસાસ કરાવે છે. જેથી આજની આધુનિક લાઈફમાં થાક દૂર કરવા માટે યોગનો શક્ય તેટલો ઉપયોગ કરવો જોઈએ.
સવારમાં ઉઠીને કોઈપણ કામ શરૂ કરતાં પહેલાં તમારે લગભગ પંદર મિનિટનો વ્યાયામ કરવો જોઈએ, જેથી શરીર સવારથી જ તાજગી અનુભવવા લાગે. યોગ એ માનવીના જીવનની મુશ્કેલઓને દૂર કરવામાં પણ આધ્યાત્મિક રીતે મદદરૂપ થઈ શકે છે. મનના વિકારો દૂર થાય છે અને મન શાંત થાય છે.
કોમ્પ્યૂટરની સામે સતત બેસીને કામ કરવાથી કમરના તેમજ હાથના દુખાવાની ફરિયાદો થતી રહે છે, તેમજ આંખોમા પણ બળતરા થતી રહે છે, જેનો યોગ દ્વારા ઉકેલ લાવી શકાય છે. આસનના ઘણાં એવા પ્રકાર છે, જેનાથી કમરને સીધો લાભ થાય છે. સવારમાં ખુલ્લી જગ્યા પર યોગ કરવાથી આંખોને ઠંડક મળે છે.

No comments:
Post a Comment